એક વખત શેતાને મિટિંગ બોલાવી !


એક વખત શેતાને મિટિંગ બોલાવી ! માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી. માણસોને ભગવાનના રસ્તે જતાં રોકવા માટે શું કરી શકાય એની ખૂબ ચર્ચાઓ કર્યા પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા. પોતાના દરેક સાગરીતને ત્યાર બાદ તરત જ દુનિયાના ખૂણેખૂણે જઈ કામે લાગી જવાનું એણે ફરમાન કરી દીધું. શેતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા મુદ્દાઓ હતા :


[1] માણસને વ્યસ્ત, અતિવ્યસ્ત બનાવી દો. અને હા, સાવ ફાલતુ વસ્તુઓમાં જ એને વ્યસ્ત બનાવવો !

[2]
એને ખૂબ ખર્ચ કરવા પ્રેરવો. કામની કે નકામી વસ્તુઓ ખરીદી ખરીદીને એને ઘર ભરવા દો !

[3]
અનહદ અને ગજા બહારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એને લોન લેવી પડે તેવું કરો. અઠવાડિયે એક વખત આંટો મારવા નીકળતો હોય તો પણ એની પાસે મોંઘીદાટ મોટર ખરીદાવો. એનું બાકીનું જીવન આમ જ ખોટા ખર્ચા કરવામાં અને લોનના હપ્તા ભરવામાં પસાર થવું જોઈએ !

[4]
એમનાં બાળકોને ખૂબ ખર્ચાવાળી શાળાઓમાં દાખલ કરવા પ્રેરો. દરેક વિષયના ટ્યૂશન માટે હજારોની ફી પડાવતા કલાસીસમાં ભરતી થવાનો એમનાં બાળકો આગ્રહ રાખે તેવું કરો.


[5]

આ ખર્ચાઓને પહોંચી વળવા એ માણસને લાંચ લેતો કરી દો. બાળકોની માતાઓને પણ કમાવા જવું પડે તેવી કૃત્રિમ આર્થિક તંગી ઘરમાં ઊભી કરો. દિવસનો મોટા ભાગનો સમય મા-બાપ ઘરની બહાર જ રહે તેવું કરો જેથી સંસ્કાર સિંચન જેવી કોઈ પ્રક્રિયા ઘરમાં થઈ શકે જ નહીં !

[6]
ટેલિવિઝન, વીડિયો, ટેપ, ફિલ્મો, મલ્ટિપ્લેક્સ થિયેટર્સ એમના મગજમાં એવાં ભરવીદો કે એના વગર એને ચાલે જ નહીં. દેશી-વિદેશી સંગીત કે ગીતોના ઘોંઘાટથી એના ઘરના તેમજ આસપાસના વાતાવરણને એવું ભરીદો કે શાંતચિત્તમાં ઊઠતા આત્માના નાજુક અવાજને એ પારખી શકે જ નહીં. એની શાંતિને વિક્ષુબ્ધ બનાવી દો.

[7]
કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું અજાયબ વળગણ ઊભૂકરો. ઈ-મેઈલ, વૉઈસ-મેઈલ અને ચેટિંગનું એને બંધાણ કરાવી દો. કલાકોના કલાકો એ ચેટિંગમાં કે ઈન્ટરનેટ સર્ફિંગમાં વેડફી નાખે એવી રચના કરી દેવી.

[8]
ટેલિવિઝનમાં એને ભરમિત કરી નાખે તેવા કાર્યક્રમો બનાવડાવો. સંબંધોની વિચિત્ર માયાજાળ વાળી અને ભપકાઓથી ઝાકમઝોળ વાળી સિરિયલો શરૂ કરાવો. ઉચ્ચ અને સંસ્કારી સંબંધોની હસ્તીનો છેદ જ ઊડી જાય તેવું જ ટેલિવિઝન ના માધ્યમથી પીરસો. એક એક ઘરને એનાથી પ્રભાવિત કરી નાખો.

[9]
ચોવીસ કલાક આડા-અવળા, કામના-નકામા તેમજ ઢંગધડા વિનાના સાચા-ખોટા સમાચારો આપતી ન્યૂઝ ચૅનલો રચો. પક્ષપાતોથી રાચતાં છાપાંઓના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ પર કરી દો.

[10]
ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ ધર્મોને અંદરો-અંદર ઝઘડાવો. પોતે તેમજ પોતાનો ધર્મ કે સંપ્રદાય જ બીજાથી ઊંચો તેવા મિથ્યા ખ્યાલથી એમના મનને બરાબર પ્રદૂષિત કરી દો. એ બધું એ હદે કરી નાખો કે ધર્મની નિર્મળ શાંતિ, પ્રેમ કે સમાનતા ના ભાવનો એમને વિચાર સુદ્ધાં ન આવી શકે.

[11]
લૉટરી, જુગાર, સટ્ટો, શૅરબજાર વગેરેની માયાજાળમાં એ શાના માટે આ બધું કરી રહ્યો છે, એ પણ ભૂલી જાય એવું કરી નાખો.

[12]
ટૂંકમાં, પોતાની અંદરનો ખાલીપો એને જરાય ન દેખાય એવી ભરમની જાળ રચી દો, જેથી એને પોતે સાચી રીતે અને સારાં કારણ માટે જ જીવી રહ્યો છે એવું હંમેશાં લાગ્યા કરે. ભગવાનની,સાચા ધર્મની કે આતમ-તત્વની ઓળખની એને જરા પણ જરૂરિયાત જ ન લાગે !

બસ ! આટલા મુદ્દાઓની યાદી બરાબર પાકી કરીને શેતાનના સાગરીતો દુનિયાને ખૂણેખૂણે પહોંચીને કામે લાગી ગયા. ભગવાને ઉપરથી દષ્ટિ ફેંકી. એમની આંખમાં આંસુ આવી ગયાં, એમનું હૈયું દ્રવી ગયું, કારણ કે શેતાન અને એના સાગરીતો મહદંશે સફળ થઈ ચૂક્યા હતા. દુનિયાની શરૂઆત પછી કદાચ પ્રથમ વાર. .

Comments

Popular posts from this blog

Guruji's discourse at Bangalore Ashram

Satsang

What will happen after 100 years?