ઈશ્વર સાથે ચેટિંગ
એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો. ઈશ્વર : ‘ શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’ હું : ‘ ના , મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’ ઈશ્વર : ‘ વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું …. ઈશ્વર છું. ’ હું : ‘ હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ ભગવાન ’ કહેવડાવે છે. ’ ઈશ્વર : ‘ માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’ હું : ‘ ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ? ઈશ્વર : ‘ વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે ! ’ હું : ‘ તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘ પીક અવર્સ ’ ચાલે છે. ઈશ્વર : ‘ ભાઈ , સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ , અત્યારે તારા ‘ પીક અવર્સ ’ માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? ...